
કોરોનાકાળ દરમિયાન બેરોજગાર બનેલ યુવાને દરિયા કિનારેથી મળેલ લાકડાના ટુકડાથી નાનકડી હોડી બનાવવાનું શરૂ કર્યું હતું

ઉમરગામ 29 3 2023
નારગોલ ગામના યુવાને કોવિડ કોરોના કાળ દરમિયાન નાનકડા લાકડાના ટુકડામાંથી નાનકડી હોડી બનાવવાની શરૂઆત કરતા આજે એ યુવાને શોખને આજીવિકાનું સાધન બનાવી નાની હોડી બનાવી વેચવાનું શરૂ કર્યું છે.
ઉમરગામ તાલુકાના નારગોલ ગામના માછીવાડ વિસ્તારના રહીશ પ્રશાંતકુમાર અરુણભાઈ દમણીયા ઉમર વર્ષ 26 ધોરણ 12 સુધી ભણેલા છે. બાળપણથી જ નાના નાના રમકડા લાકડા તેમજ થરમોકોલ થી બનાવવાનો તેમનો શોખ હતો કોરોના કાર સમયે તેઓ બેરોજગાર બનતા તેમણે દરિયા કિનારેથી મળેલ એક નાનકડા લાકડાના ટુકડામાંથી જહાજ બનાવ્યું હતું. દિવ્ય ભાસ્કર સાથેની મુલાકાત દરમિયાન તેમને જણાવ્યું હતું કે તેમણે પાયરા ઓફ કેરેબિયન નામક મુવી જોઈ હતી જેમાં BLACK PEARLS નામનું જહાજ ખૂબ પસંદ પડ્યું હતું એ જહાજની આબેહૂબ પ્રતિકૃતિ લાકડા માંથી તૈયાર કરી હતી. મિત્રો તેમજ ગામના લોકો તરફથી ખુબ પ્રોત્સાહન મળતા પ્રશાંત કુમારે અન્ય જહાજો બનાવવાનું કાર્ય શરૂ કર્યું હતું. આજ દિન સુધી 40 થી 50 લાકડાની નાની બોટો તેમણે બનાવી છે. કેદારનાથ મંદિરની પ્રતિકૃતિ પણ લાકડા માંથી તૈયાર કરી છે. એક સમયે કોરોનાના સમયમાં સમય પસાર કરવા માટે શોખ માટે પ્રતિકૃતિ બનાવવાનું કાર્ય આજે પ્રશાંતભાઈ દમણીયા જે એક માછીમાર પરિવારથી આવે છે તેમના માટે આજીવિકાનું સાધન બની ચૂક્યું છે.
કોરોનાકાળ દરમિયાન બેરોજગાર બનેલ યુવાને દરિયા કિનારેથી મળેલ લાકડાના ટુકડાથી નાનકડી હોડી બનાવવાનું શરૂ કર્યું હતું

અનેક માછીમારો પોતાની બોટ ની પ્રતિકૃતિ બનાવડાવી પોતાના ઘરમાં રાખતા હોય છે તો અનેક નેતાઓને ભેટ આપવા માટે રાજકીય આગેવાનો પણ પ્રશાંતભાઈ માછી પાસે બોટ ખરીદી કરે છે. પ્રશાંતભાઈના જણાવ્યા મુજબ તેઓ બે ફૂટથી પાંચ ફૂટ લંબાઈ ધરાવતી બોટો બનાવે છે. ગ્રાહકોના ઓર્ડર મુજબ ફોટો બનાવી તેઓ વેચાણ કરે છે બોટની કિંમત 7000 થી 12 હજાર સુધીની છે. દરિયા કિનારે જોવા મળતી માછીમારોની બોટો, ટોલરની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં માહિર બનેલા નારગોલ ગામના માછી યુવાનની કળાની ચારે દિશામાં પ્રશંસા થઈ રહી છે. યુવાન દ્વારા બનાવવામાં આવતી પ્રતિકૃતિ ખરીદી કરવા માટે અનેક લોકો રસ દાખવી રહ્યા છે ત્યારે આવનારા દિવસોમાં યુવાન દ્વારા બનાવવામાં આવેલી પ્રતિકૃતિ ઓનલાઇન વેચાણ થાય તેવું સ્વપ્ન કલાકાર યુવાન જોઈ રહ્યો છે જેના થકી યુવાનનો ભવિષ્ય ઉજવળ થશે. નારગોલના આ યુવાનને આ કાર્યમાં વધુ ઉત્સાહ બને તે હેતુસર સ્થાનિક માછી સમાજના આગેવાનો તેમજ ગામના સરપંચે ખૂબ પ્રશંસા કરી મનોબળ વધાર્યું છે.