
ગીરનો ખેડૂત ઉગાડશે
Japan Miyazaki Mango in Gujarat: સાસણમાં અનિલ ફાર્મ ચાલવતા સુમિત ઝરીયા નામના ખેડૂતે કેરીની અનેક પ્રકારની જાતો વિકસાવી છે અને ખેડૂતોને કેરીની ખેતીમાં ફાયદો થાય તેવા પ્રયાસો કરે છે.
અતુલ વ્યાસ, ગીર: સોરઠની કેસર કેરી એટલે કેરીની મહારાણી કહેવાય છે. આ કેરીની વિદેશોમાં ખૂબ માંગ હોય છે અને વિદેશીઓ આ કેરી ખૂબ ઊંચા ભાવે ખરીદી કરતા હોય છે. હવે વિશ્વની સૌથી મોંઘી કેરી પણ હવે ગીરમાં ઉગાડવામાં આવશે. સાસણના પ્રગીતીશીલ ખેડૂતે જાપાનમાં રહીને મિયાઝીકા કેરી વિષે માહિતી મેળવી પોતાના ફાર્મમાં ખેતી કરશે. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જાપાનની કેરીની ખેતી કરવામાં આવશે.

સિંહોના અંતિમ નિવાસ સ્થાન એવા સાસણમાં અનિલ ફાર્મ ચાલવતા સુમિત ઝરીયા નામના ખેડૂતે કેરીની અનેક પ્રકારની જાતો વિકસાવી છે અને ખેડૂતોને કેરીની ખેતીમાં ફાયદો થાય તેવા પ્રયાસો કરે છે. ત્યારે પોતે થોડા દિવસો પહેલા જાપાનની પ્રખ્યાત ઈરવીન એપલ મેંગો કે જે મિયાઝાકી કેરી નામથી પ્રખ્યાત છે.
તેઓ આ મિયાઝાકી કેરીના અભ્યાસ અર્થે ગયા હતા અને ત્યાં વિશ્વની સૌથી મોંઘી કેરી મિયાઝાકી વિષે માહિતી મેળવી હતી. તેમના જણાવ્યા અનુસાર મિયાઝાકી કેરીનું ખુબ સારું ફ્ળ હોય તો 1 કિલોના બે લાખથી વધુ રૂપિયા આવે છે. પણ સામાન્ય રીતે 1 કિલોના 20થી 25 હજારમાં ભારતીય નાણા મુજબ કેરી વેચાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જાપાનમાં બરફ વર્ષા થતી હોય છે. તેથી આધુનિક ટેકનોલોજીથી ગ્રીન હાઉસ બનાવી આ કેરીનું ઉત્પાદન કરવામાં આવે છે. જયારે ગુજરાતમાં આ કેરીની ખેતી કરવી સરળ બનશે. વધુમાં જાપાનમાં આ કેરીના ખુબ સારા ભાવ ખેડૂતોને મળે છે. તેની પાછળ મહત્તવનું કારણ છે કે, અહીં હરીફાઈનું પ્રમાણ નહીંવત હોય છે. પણ ખૂબ સારા ફળો માટે ઘણાં પ્રયત્નો કરવામાં આવે છે.

આ કેરી કેસર કે અન્ય કેરી કરતા મીઠાશમાં થોડી ઓછી હોય છે અને વજન પણ 300 ગ્રામ જેટલું હોય છે. આનું ફળ પર કોઈ પ્રકારનો ડાઘ હોતા નથી. વિદેશી લોકો બહુ મીઠાશ પસંદ કરતા ના હોવાથી આ કેરીની ખૂબ માંગ છે. સુમિત જારીયા જાપાનથી 10 કેરીની કલમ લાવ્યા હતા. હાલ તેનું વાવેતર કર્યું છે અને ભવિષ્યમાં આ કેરીનું ઉત્પાદન મેળવશે
આપને જણાવીએ કે, આ વિશેષ પ્રકારની કેરીનું નામ મિયાઝાકી છે, જે દુનિયામાં સૌથી મોંઘી કેરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂ. 2.70 લાખ છે. મિયાઝાકી કેરીને સૂર્યના ઈંડા તરીકે પણ ઓળખવામાં આવે છે. મિયાઝાકી કેરી જાપાનમાં ઉગાડવામાં આવે છે. આ કેરીનું નામ મિયાઝાકી શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિશ્વમાં સૌપ્રથમ મિયાઝાકીમાં કેરીનો પાક લેવામાં આવ્યો હતો
ઝારખંડના જામતારા નજીકના અંબા ગામમાં પણ બે ખેડૂત ભાઈઓએ દુનિયાની સૌથી મોંઘી મિયાઝાકી કેરી ઉગાડી હતી. આ કેરીના પાકની ખૂબ જ માવજત કરવી પડે છે અને એ પછી ફળ આવે ત્યારે કોઈ ચોરી ન જાય એ માટે ખાસ ધ્યાન રાખવું પડે છે