નવી દિલ્હી ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની વન-ડે શ્રેણીની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમે 269 રનનો સ્કોર બનાવ્યો હતો. પ્રથમ બે મેચોની જેમ ત્રીજી વન-ડેમાં પણ ટીમ ઇન્ડિયાની બેટિંગ ખોરવાઈ ગઈ અને 49.1 ઓવરમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી વન-ડે 21 રને જીતીને શ્રેણી 2-1થી પોતાના નામે કરી લીધી હતી.

ભારતની બેટિંગ ખોરવાઇ
રોહિત શર્મા અને શુભમન ગિલે ચોક્કસપણે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી પરંતુ એકવાર વિકેટો પડવા લાગી પછી સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. રોહિત શર્મા 30 અને ગિલ 37 રન બનાવીને આઉટ થયા હતા. કેએલ રાહુલે વિરાટ કોહલી સાથે ઇનિંગ્સને સંભાળી હતી પરંતુ 32 રનના સ્કોરે મોટો શોટ મારવાના પ્રયાસમાં તેને પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી કોહલી અડધી સદી ફટકારીને એશ્ટન એગરનો શિકાર બન્યો હતો અને સૂર્યકુમાર યાદવે ફરીથી 1 બોલમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.
ઓપનર મિચેલ માર્શે ફરી એકવાર ઓસ્ટ્રેલિયન ટીમ માટે શાનદાર શરૂઆત કરી હતી. ટ્રેવિસ હેડ સાથે મળીને તેણે 68 રન ઉમેર્યા અને એવું લાગતું હતું કે ટીમ મોટો સ્કોર કરશે. અહીં ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યા મેચમાં ટ્વિસ્ટ લાવ્યો અને એક પછી એક ત્રણ વિકેટ લીધી હતી. તેણે ટ્રેવિસ હેડ, સ્ટીવ સ્મિથ અને પછી મિશેલ માર્શને બોલિંગ કરીને ભારતની વાપસી કરાવી હતી. અહીંયાથી ઓસ્ટ્રેલિયાની ટીમ દબાણમાં આવી અને 269 રનના સ્કોર સુધી માંડ-માંડ પહોંચી શકી હતી. નીચલા ક્રમમાં સીન એબોટે 26 અને એશ્ટન અગરે 17 રન ઉમેર્યા હતા.
ટીમ ઇન્ડિયાની જોરદાર વાપસી
ભારતીય ટીમ તરફથી હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 3-3 વિકેટ લીધી હતી. શાનદાર બોલિંગ કરતી વખતે હાર્દિકે 8 ઓવરમાં 44 રન આપીને આ ત્રણ વિકેટ ઝડપી હતી. કુલદીપે 10 ઓવરમાં 56 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. અક્ષર પટેલ અને મોહમ્મદ સિરાજે 2-2 સફળતા મેળવી હતી.