પન્નાલાલ પટેલ જન્મ જયંતી (૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯)

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

       પન્નાલાલ નાનાલાલ પટેલ એક સારા સફળ  નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર - રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ. ૧૯૫૮ થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ બન્યા. ૧૯૮૫ ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત.પછી અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન તેઓ પામ્યા હતા.

આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે. પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા ‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયાકંકાસ ને કુટિલ નીતિરીતિ,તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અરમાનો ને વિટંબણાઓ,છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું – એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂતજીવનની કથા બની રહે છે. માંડલીની ગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથાસાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.

અલબત્ત, સામાજિક વાસ્તવિક્તા એમની નવલકથાઓમાં પૃષ્ઠભૂમાં રહે છે. એમનું લક્ષ્ય છે-માનવીના મનની સંકુલતાને પામવાનું. તેથી એમની આ કે આના પછી લખાયેલી નવલકથાઓમાં રચનારીતિના પ્રયોગો કરવા તરફ લક્ષ ન હોવા છતાં પાત્રના વિચાર અને લાગણીના આંતરદ્વન્દ્વનું એમણે એવું કુશળતાપૂર્વક આલેખન કર્યું છે કે એના કારણે ગાંધીયુગના અને ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જકોમાં એમને સ્થાન મળ્યું છે.

એમણે પછીથી લખેલી પોતાની ઘણી નવલકથાઓમાં પ્રણયને ભિન્નભિન્ન પરિસ્થિતિઓમાં મૂકીને પ્રયણજીવનનાં વિવિધ રૂપો અલબત્ત પ્રગટ કર્યા છે, પરંતુ પ્રારંભકાળનો સર્જનસ્ત્રોત જાણે સ્થિર બન્યો છે. ‘માનવીની ભવાઈ’ના અનુસંધાનમાં આગળ વધતી નવલકથામાં ‘ભાંગ્યાના ભેરુ’ (૧૯૫૭) દુષ્કાળમાંથી પાછા બેઠા થતા ગ્રામજીવનની, કાળુના લોકનાયકરૂપે ઊપસતા વ્યક્તિત્વની અને તેના રાજુ સાથેના પ્રણયસંબંધને લગ્ન સુધી પહોંચાડતી કથા છે. ‘ઘમ્મર વલોણું’- ભા.૧-૨ (૧૯૬૮) ‘ભાંગ્યાના ભેરુ’ના અનુસંધાનમાં આગળ વધતી કાળુ-રાજુના પુત્ર પ્રાપ્ત અને અલ્લડ યુવતી ચંપા વચ્ચેના પ્રણયને આલેખતી કથા છે. ‘ના છુટકે’ (૧૯૫૫)માં પ્રણયકથાની સાથે રાજ્યના જૂલમ સામે ગાંધીવાદી સત્યાગ્રહની કથા છે. ‘ફકીરો’ (૧૯૫૫) ગ્રામપરિવેશની પૃષ્ઠભૂમાં રચાયેલી પ્રણય કથા છે. ‘મનખાવતાર’ (૧૯૬૧)માં ઈર્ષ્યાથી પ્રેરાયેલી સ્ત્રી પોતાની સાવકી પુત્રીના સુખી લગ્નજીવનને કેવું વેરણછેરણ કરી નાખે છે તેની કથા છે. ‘કરોળિયાનું જાળું’ (૧૯૬૩) નાનાભાઈની વિવાહિતા અને નાનાભાઈને જ ચાહતી સ્ત્રી સાથે મોટાભાઈએ લગ્ન કરવા પડે છે તેમાંથી જે પરિસ્થિતિ સર્જાય છે એનું આલેખન કરતી ભૂતપ્રેતના તત્વવાળી કથા છે. ‘મીણ માટીનાં માનવી’ (૧૯૬૬) વિલક્ષણ વ્યક્તિત્વવાળા કચરાના ફૂંદી અને રમતી એ બે સ્ત્રીઓ સાથેના પ્રેમસંબંધમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘કંકુ’ (૧૯૭૦) પોતાની જ એ નામની ટૂંકીવાર્તા પરથી વિસ્તારીને લખેલી ચરિત્રલક્ષી નવલકથામાં ચારિત્ર્યશીલ અને સમાજમાં આદરપાત્ર ગણાતી વિધવા કંકુ એક અસાવધ પળે વિજાતીય આકર્ષણને વશ બનતી જાય છે એને તેમાંથી સર્જાતી પરિસ્થિતિની કથા છે. ‘અજવાળી રાત અમાસની’ (૧૯૧૭) પ્રેત અને માનવીના પ્રણયનું આલેખન કરતી અને પ્રેમનો મહિમા ગાતી ચમત્કારી તત્વોવાળી કથા છે.

એમની શહેરી જીવનના પરિવેશવાળી પ્રણયકેન્દ્રિત નવલકથાઓ ગ્રામપરિવેશવાળી કથાઓને મુકાબલે ઓછી પ્રતીતિકર છે. ‘ભીરુ સાથી’ (૧૯૪૩) આમ તો લેખકની સૌથી પહેલી નવલકથા, પરંતુ પ્રગટ થી ‘વળામણાં’ અને ‘મળેલા જીવ’ પછી લગ્નપૂર્વે અન્ય પુરુષ સાથેના પ્રેમને લીધે લગ્નજીવન પર પડતી અસર અને એમાંથી સર્જાતી પરિસ્થિતિ, જે પછીથી ‘મળેલા જીવ’ માં પ્રભાવક રૂપ લઈને આવે છે તેનું આલેખન પહેલું આ નવલકથામાં થયું છે. મુંબઈમાં લેખકને થયેલા ફિલ્મજગતના અનુભવમાંથી લખાયેલી ‘યૌવન’-ભા.૧-૨ (૧૯૪૪) કામની અતૃપ્તિમાંથી જન્મતી પરિસ્થિતિઓને આલેખે છે. ‘નવું લોહી’ (૧૯૫૮)માં પ્રેમનું તત્વ છે, પરંતુ નાયકમાં રહેલાં સેવાપરાયણતા અને આદર્શોન્મુખતા ઉપસાવવા તરફ લેખકનું લક્ષ રહેવાથી કથા ઉદ્દેશલક્ષી બની છે. ‘પડઘા અને પડછાયા’ (૧૯૬૦) દરેક રીતે ઘસાઈ ગયેલા એક રાજવીના પુત્ર અને શહેરની શ્રીમંત કન્યા વચ્ચેનાં પ્રણય-પરિણયની કથા છે. ‘અમે બે બહેનો’- ભા.૧-૨ (૧૯૬૨) બે બહેનોના એક પુરુષ પ્રત્યે જાગતા સૂક્ષ્મ પ્રણયસંવેદનને આલેખતી, અરવિંદની ફિલસૂફીના પ્રભાવવાળી કથા છે. ‘આંધી અષાઢની’ (૧૯૬૪) એ આત્મકથાત્મક રીતિમાં લખાયેલી કથામાં એક ખાનદાન કુટુંબની સ્ત્રી અપરિચિત પુરુષને દેહ સોંપે છે એમાંથી જે વંટોળ જન્મે છે તેને આલેખે છે. ‘પ્રણયનાં જૂજવાં પોત’ (૧૯૬૯), ‘અલ્લડ છોકરી’ (૧૯૭૨), ‘એક અનોખી પ્રીત’ (૧૯૭૨), ‘નથી પરણ્યાં નથી કુંવારાં’ (૧૯૭૪), ‘રૉ મટિરિયલ’ (૧૯૮૩) એ પ્રણય કે વિજાતીય આકર્ષણ જેના કેન્દ્રમાં હોય તેવી, શહેરી પરિવેશવાળી નવલકથાઓ છે. ‘ગલાલસિંગ’ (૧૯૭૨) એ ભૂતકાલીન રાજપૂતયુગની પ્રેમ અને શૌર્યની સૂષ્ટિને ખડી કરતી ઇતિહાસકથા છે.

પ્રણય પરથી નજર ખસેડીને એમણે કેટલીક ભિન્ન અનુભવ અને શૈલીવાળી નવલકથાઓ લખી છે. ‘પાછલે-બારણે’ (૧૯૪૭) દેશી રાજ્યોમાં ગાદીવારસ માટે ચાલતી ખટપટોની ભીતર વાત્સલ્યના વિજયને આલેખતી કથા છે. ‘વળી વતનમાં’ (૧૯૬૬) ગામડામાંથી શહેરમાં આવી લક્ષાધિપતિ બની ગયેલા એક પુરુષના વતન સાથેના અનુબંધની કથા છે. ‘એકલો’ (૧૯૭૩) આત્મકથાત્મક નવલકથા છે. ‘તાગ’ (૧૯૭૯) ચમત્કારી તત્વોવાળી આધ્યાત્મિક અનુભવની કથા છે. ‘પગેરું’ (૧૯૮૧) એક અનાથ માનવીએ કરેલાં પરાક્રમ અને પરોપકારને આલેખતી કથા છે. ‘અંગારો’ (૧૯૮૧) જાસૂસી કથા છે. ‘પરમ વૈષ્ણવ નરસિંહ મહેતા’ (૧૯૮૩) તથા ‘જેણે જીવી જાણ્યું’ (૧૯૮૪) એ અનુક્રમે મધ્યકાલીન ભક્ત નરસિંહ મહેતા અને લોકસેવક રવિશંકર મહારાજનાં જીવન પરથી લખાયેલી ચરિત્ર્યકથાઓ છે. ‘નગદનારાયણ’ (૧૯૬૭) અને ‘મરકટલાલ’ (૧૯૭૩) હળવી શૈલીની નવલકથાઓ છે.

આ ઉપરાંતએમણે ‘પાર્થ ને કહો ચડાવે બાણ’- ભા.૧-૫ (૧૯૭૪), ‘રામે સીતાને માર્યાં જો !’-ભા. ૧-૪ (૧૯૭૬), ‘કૃષ્ણજીવનલીલા’-ભા. ૧-૫ (૧૯૭૭), ‘શિવપાર્વતી’-ભા. ૧-૬ (૧૯૭૯), ‘ભીષ્મની બાણશૈય્યા’- ભા. ૧-૩ (૧૯૮૦), ‘કચ-દેવયાની’ (૧૯૮૧), ‘દેવયાની-યયાતી’-ભા. ૧-૨ (૧૯૮૨), ‘સત્યભામાનો માનુષી-પ્રણય’ (૧૯૮૪), ‘(માનવદેહે) કામદેવ રતિ’ (૧૯૮૪), ‘(મહાભારતનો પ્રથમ પ્રણય) ભીમ-હિડિમ્બા’ (૧૯૮૪), ‘અર્જુનનો વનવાસ કે પ્રણયપ્રવાસ’ (૧૯૮૪), ‘પ્રદ્યુમ્ન-પ્રભાવતી’ (૧૯૮૪), ‘શ્રી કૃષ્ણની આઠ પટરાણીઓ’ (૧૯૮૪), ‘શિખંડી-સ્ત્રી કે પુરુષ ?’ (૧૯૮૪), ‘રેવતીઘેલા બળદેવજી’ (૧૯૮૪), ‘સહદેવભાનુમતીનો પ્રણય’ (૧૯૮૪), ‘કુબ્જા અને શ્રીકૃષ્ણ’ (૧૯૮૪), ‘(નરમાં નારી) ઈલ-ઈલા’ (૧૯૮૬), ‘(અમરલોક-મૃત્યુલોકનું સહજીવન) ઉર્વશી-પુરુરવા’ (૧૯૮૬) એ મહાભારત, રામાયણ અને પુરાણોની કથાઓને વિષય બનાવી, મૂળનાં વાર્તાતંતુ અને ચમત્કારી અંશો જાળવી રાખી, મૂળને ઘણી જગ્યાએ નવો અર્થ આપીને રચેલી કથાઓ આપી છે.

નવલકથાની સમાંતરે ટૂંકીવાર્તાઓના સર્જનની એમની પ્રવૃત્તિ પણ સતત ચાલી છે, ‘સુખદુઃખના સાથી’ (૧૯૪૦), ‘જિંદગીના ખેલ’ (૧૯૪૧), ‘જીવો દાંડ’ (૧૯૪૧), ‘લખચોરાસી’ (૧૯૪૪), ‘પાનેતરના રંગ’ (૧૯૪૬), ‘અજબ માનવી’ (૧૯૪૭), ‘સાચાં શમણાં’ (૧૯૪૯), ‘વાત્રકને કાંઠે’ (૧૯૫૨), ‘ઓરતા’ (૧૯૫૪), ‘પારેવડાં’ (૧૯૫૬), ‘મનનાં મોરલા’ (૧૯૫૮), ‘કડવો ઘૂંટડો’ (૧૯૫૮), ‘તિલોત્તમાં’ (૧૯૬૦), ‘દિલની વાત’ (૧૯૬૨), ‘ધરતીઆંભના છેટાં’ (૧૯૬૨), ‘ત્યાગી-અનુરાગી’ (૧૯૬૩), ‘દિલાસો’ (૧૯૬૪), ‘ચીતરેલી દીવાલો’ (૧૯૬૫), ‘મોરલીના મૂંગા સૂર’ (૧૯૬૬), ‘માળો’ (૧૯૬૭), ‘વટનો કટકો’ (૧૯૬૯), ‘અણવર’ (૧૯૭૦), ‘કોઈ દેશી કોઈ પરદેશી’ (૧૯૭૧), ‘આસમાની નજર’ (૧૯૭૨), ‘બિન્ની’ (૧૯૭૩), ‘છણકો’ (૧૯૭૫), ‘ઘરનું ઘર’ (૧૯૭૯), અને ‘નરાટો’ (૧૯૮૧) એ વાર્તાસંગ્રહોની પોણાપાંચસો જેટલી ગ્રામજીવન અને નગરજીવનનાં માવનીઓની વાર્તાઓમાં ગ્રામપરિવેશમાં પ્રગટ થતી માનવમનની આંટીઘૂંટીને આલેખતી કેટલીક ઉત્તમ વાર્તાઓ એમની પાસેથી મળી છે. ‘વાત્રકને કાંઠે’, ‘ઓરતા’, ‘ભાથીની વહુ’, ‘સાચાં શમણાં’, ‘એળે નહિં તો બેળે’, ‘ધરતીઆભના છેટાં’, ‘રેશમડી’, ‘સાચી ગજિયાણીનું કાપડ’ વગેરે લગ્નસંબંધ અને કુટુંબજીવનની વિભિન્ન ગૂંચોને આલેખતી વાર્તાઓ છે. ‘નેશનલ સેવિંગ’, ‘મા’ જેવી વાર્તાઓમાં ગ્રામપ્રદેશની ગરીબાઈનું મર્મસ્પર્શી ચિત્ર છે. ‘વનબાળા’, ‘લાઈનદોરી’ અને ‘બલા’ ભીલસમાજનાં માનવીઓના મનને પ્રગટ કરે છે. ‘નાદાન છોકરી’ , ‘મનહર’, ‘વાતવાતમાં’, ‘રંગવાતો’, ‘તિલોત્તમા’ વગેરે ભદ્રસમાજના માનવસંબંધોની વિવિધ ભાતને ઉપસાવે છે.

‘જમાઈરાજ’ (૧૯૫૨)માં સંગૃહીત રચનાઓને જોકે એમણે એકાંકીઓ તરીકે ઓળખાવી છે, પણ એમાં પહેલી કૃતિ ‘જમાઈરાજ’ બહુઅંકી નાટકની છાપ ચિત્ત પર પાડે છે. ‘ઢોલિયા સાગસીસમના’ (૧૯૬૩) અને ‘ભણે નરસૈંયો’ (૧૯૭૭) એ એમનાં મૌલિક ત્રિઅંકી નાટકો છે. ‘કંક્ણ’ (૧૯૬૮) અને ‘અલ્લડ છોકરી’ (૧૯૭૧) પોતાની જ નવલકથાઓ અનુક્રમે ‘ફકીરો’ અને ‘અલ્લડ છોકરી’નાં નાટ્યરૂપાંતર છે. ‘ચાંદો શેંશામળો ?’ (૧૯૬૦), ‘સપનાના સાથી’ (૧૯૬૭) અને ‘કાનન’ એ પશ્ચિમની નાટ્યકૃતિઓનાં રૂપાંતર છે. ‘સ્વપ્ન’ (૧૯૭૮) શ્રી અરવિંદની એક વાર્તા પરથી રૂપાંતરિત નાટક છે.
તેમણે ૬૧ નવલકથાઓ,૨૬ ટૂંકી વાર્તા ના સંગ્રહો,અને અન્ય ઘણું સર્જન કર્યું હતું.તેમનું મોટાભાગનું લખાણ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લા ની સ્થાનિક બોલીમાં લખાયેલું છે.

૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને મળ્યો હતો. ઉમાશંકર જોષી પછી જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર તેઓ બીજા ગુજરાતી ભાષાના લેખક હતા.પન્નાલાલ પટેલને ‘સાહિત્ય જગતનો ચમત્કાર’ અને ‘ગુજરાતી સાહિત્યનું પરમ વિસ્મય’ જેવા બિરુદોથી નવાજવામાં આવ્યા છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *