ગાયત્રી જયંતી પર મોડાસા પંથકમાં ત્રિવેણી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગાયત્રી જયંતી, ગંગા દશેરા અને પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસ: ત્રિવેણી ઉત્સવ

મોડાસા, તા.31મે :ભારતિય સંસ્કૃતિમાં ગૌ,ગંગા,ગીતા અને ગાયત્રી એ ચાર આધાર સ્તંભ છે. એમાં ગંગાજીનું ધરતી પર અવતરણ અને ગાયત્રી રુપી દિવ્ય શક્તિનું પ્રાગટ્ય દિવસ જેઠ સુદ દશમે ઉજવણી કરવામાં આવે છે.
મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રના અગ્રણી તથા અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારના સંયોજક હરેશભાઈ કંસારાએ માહિતી આપતા જણાવ્યું કે ગાયત્રી ચેતના કેન્દ્ર સહિત મોડાસા પંથકમાં ગામેગામ તેમજ અરવલ્લી જિલ્લામાં ગાયત્રી જયંતી, ગંગા દશેરા તથા ગાયત્રી પરિવારના જનક વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના મહાપ્રયાણ દિવસ એમ ત્રિવેણી ઉત્સવની જેઠ સુદ દશમ, ૩૦ મે મંગળવારે ભવ્ય ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. ગાયત્રી પરિવારના સ્થાપક પૂજ્ય ગુરુદેવ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી જેઓએ ગાયત્રી મહામંત્રની ચોવીસ વર્ષ પ્રચંડ તપસ્યા કરી ગાયત્રી મહામંત્રના આધ્યાત્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ સાથે વિશ્વભરમાં પહોંચાડી પંદર કરોડથી પણ વધારે સાધકોના જીવનમાં શ્રેષ્ઠ માર્ગ પર ચાલવા અદ્ભૂત વિચાર ક્રાન્તિ અભિયાન ચલાવ્યું. દેશની આઝાદી માટે પણ આગ્રા ક્ષેત્રમાં મહત્વ પૂર્ણ ભૂમિકા નિભાવી હતી. ભારત સરકાર દ્વારા એમને સ્વતંત્રતા સેનાની તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા. એવા આ ગુરુદેવે ૧૯૯૦માં ગાયત્રી જયંતી, ગંગા દશેરાના પવિત્ર દિવસે પોતાના સ્થૂળ શરીરની જીવનયાત્રા પૂર્ણ કરી સૂક્ષ્મ ચેતનામાં વિલિન થયા હતાં.
આજના ગાયત્રી જયંતી, ગંગા દશેરા તેમજ ગાયત્રી પરિવારના જનક પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીનો મહાપ્રયાણ દિવસ એમ ત્રિવેણી ઉત્સવ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી સાધકો સવારે ૬ વાગેથી ગાયત્રી મહામંત્રના સામુહિક જાપમાં જોડાઈ વાતાવરણને દિવ્ય ઉર્જાવાન બનાવ્યું હતું. સવારે સૌએ પ્રાર્થના-આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો. ગંગા પૂજન, ગુરુ પૂજન, પવિત્ર મંત્રોચ્ચાર સાથે હિમાલયની જડીબુટ્ટીઓ યુક્ત હવન સામગ્રીથી ગાયત્રી યજ્ઞમાં આહુતિઓ અર્પણ કરાઈ. દિવસ દરમિયાન સૌ માતૃસંસ્થા શાન્તિકુંજ હરિદ્વાર સાથે સોસીયલ મિડિયા દ્વારા જોડાઈને આજના પવિત્ર દિવસના વિવિધ ઉદ્બોધનોથી લાભાન્વિત થયા. સાંજે ૫ વાગેથી ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગાયત્રી કવચ પાઠ ,મંત્રોચ્ચાર, ભજન કિર્તન તેમજ નાદયોગ ધ્યાન અને સાંજની સામુહિક આરતીમાં સૌ જોડાઈ આનંદ વિભોર થયા હતા.
ગાયત્રી ચેતના કેન્દ્ર ઉપરાંત મોડાસા પંથકના અનેક ગામોમાં સૌ ગાયત્રી સાધકો દ્વારા પોત પોતાના ગામોમાં પણ ગાયત્રી મહામંત્રના સામુહિક જાપ- ગાયત્રી યજ્ઞ- દિપયજ્ઞ જેવા વિવિધ આયોજન સાથે આ ત્રિવેણી ઉત્સવની ઉજવણી કરાઈ હતી. મોડાસા પંથક ઉપરાંત અરવલ્લી જિલ્લામાં બાયડ, ધનસુરા, મેઘરજ, ભિલોડા, માલપુર તમામ તાલુકાઓમાં ગાયત્રી સાધકો દ્વારા આ રીતે ત્રિવેણી ઉત્સવ ઉજવાયો.
ગાયત્રી પરિવારના મુખ્યાલય શાન્તિકુંજ હરિદ્વાર સહિત ભારત તેમજ વિશ્વભરમાં ગાયત્રી સાધકોએ આજના પવિત્ર ત્રિવેણી ઉત્સવ પર સ્થાનિક આયોજનો તેમજ શાન્તિકુંજ હરિદ્વાર સાથે સોસીયલ મિડિયાના માધ્યમથી જોડાઈ ઉજવણી કરી હતી.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *