નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન-NeVA પ્રોજેક્ટની અમલવારીથી હવે ગુજરાત વિધાનસભા બનશે ડીજીટલ અને પેપરલેસ

ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ગુજરાત વિધાનસભા ખાતે NeVA પ્રોજેક્ટ અમલવારીની સમીક્ષા માટે સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી

ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ શ્રી જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં NeVA પ્રોજેક્ટની અસરકારક અમલવારી અંગે ચર્ચાઓ કરાઈ

દેશની વિધાનસભાઓને ડીજીટલ બનાવવા ભારત સરકાર દ્વારા “વન નેશન, વન એપ્લીકેશન” અંતર્ગત નેશનલ ઈ-વિધાન એપ્લીકેશન એટલે કે NeVA પ્રોજેક્ટ અમલી બનાવવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાને પણ ડીજીટલ અને પેપરલેસ બનાવવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા નેવા પ્રોજેક્ટને અમલી બનાવવાની કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે.

‘સ્વચ્છ ભારત સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ’ને પ્રોત્સાહન આપતા NeVA પ્રોજેક્ટની અમલવારીની સમીક્ષા કરવા માટે આજે ગુજરાત વિધાનસભા ખાતે ભારત સરકારના સંસદીય બાબતોના સચિવ શ્રી જી. શ્રીનિવાસના અધ્યક્ષસ્થાને સ્ટેટ પ્રોજેકટ મોનીટરીંગ યુનિટ(SPMU)ની છઠ્ઠી બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત વિધાનસભામાં NeVAની અમલવારી માટે તબક્કાવાર થઇ રહેલી કામગીરીની વિસ્તૃત વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. પ્રેઝેન્ટેશન બાદ સચિવશ્રી સહિત ઉપસ્થિત સભ્યશ્રીઓ દ્વારા આ પ્રોજેક્ટની અસરકારક અમલવારી માટે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.

ગુજરાત વિધાનસભા દ્વારા NeVA પર ટ્રાયલ સ્ટેજ માટે કરવામાં આવેલી કામગીરી તેમજ વેબસાઈટનો ઇન્ટરફેસ સંસદીય બાબતોના સચિવશ્રી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સચિવશ્રીએ ઉપસ્થિત ઉચ્ચ અધિકારીશ્રીઓને કેપેસીટી બિલ્ડીંગ માટે તાલીમોનું આયોજના કરવા, રાજ્ય આધારિત ફેરફારો કરવા તેમજ તાલીમ માટે પ્રાદેશિક ભાષામાં સાહિત્ય તૈયાર કરવા માટે સૂચનો આપ્યા હતા. આ પ્રોજેક્ટની અમલવારી માટે જરૂર જણાયે ભારત સરકારના સંસદીય બાબતોના મંત્રાલય તરફથી પૂરતો સહયોગ આપવાની સચિવશ્રીએ ખાતરી આપી હતી.

બેઠક બાદ સચિવ શ્રી શ્રીનિવાસે ગુજરાત વિધાનસભા ગૃહની પણ મુલાકાત લઇ ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ બેઠકમાં નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા, ગુજરાત ઇન્ફોરમેટીક્સ લી.ના મેનેજીંગ ડિરેક્ટર શ્રી વિદેહ ખરે, રાજ્યના સંસદીય બાબતોના સચિવ શ્રી સી.જે. ગોઠી, એન.આઈ.સી.ના સ્ટેટ ઇન્ફોરમેટીક્સ ઓફિસર શ્રી પી. કે. સિંહ સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *