શ્રી ડુગરવાડા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ કે કડકિયા વિદ્યાલય તથા શ્રી આર એસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ડુગરવાડા ખાતે આવેલી શાળામાં નવીન સભાખંડ તથા શ્રી ચેતનભાઇ એ પટેલ આચાર્યશ્રી નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સંજયભાઈ પટેલ કારોબારી સભ્ય શ્રી દ્વારા મહેમાન શ્રીઓનો શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કેળવણી મંડળ ના પ્રમુખશ્રી ચીમનભાઈ પટેલ દ્વારા શાળા પરિચય આપવામાં આવ્યો હતો. કેળવણી મંડળના પ્રમુખશ્રી દ્વારા શાળાના વિકાસ ની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે અધ્યક્ષ તરીકે અર્ચનાબેન ચૌધરી ડી ઈ ઓ શ્રી અરવલ્લી જિલ્લો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી આર એસ પટેલ જેઓએ આ સંસ્થામાં અત્યાર સુધી કુલ 68 લાખ જેટલું માતબર દાન આપ્યું છે તેઓ મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે શ્રી એમ એસ પટેલ સાહેબ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના મુખ્ય દાતા શ્રી દ્વારા આ શાળા ઉત્તરોત્તર ખૂબ પ્રગતિ કરે અને જે વિદ્યાર્થીઓ આ શાળામાં અભ્યાસ કરીને શાળાનું ગામનું નામ રોશન કરે એવી અભિલાષા વ્યક્ત કરી હતી.
શાળાના આચાર્ય શ્રી ચેતનભાઇ પટેલ કે જેઓ વય મર્યાદા ના કારણે નિવૃત્ત થઈ રહ્યા હતા ત્યારે તેમનો વિદાય સમારંભ પણ સાથે સાથે યોજવામાં આવ્યો હતો. ચેતનભાઇ પટેલ આચાર્ય તરીકે આ શાળા માં 18 વર્ષ સુધી આચાર્ય તરીકેનું પદ શોભાવ્યું હતું. તેઓ નિષ્ઠાવાન પ્રગતિશીલ અને કર્મનિષ્ઠ વ્યક્તિ હતા. કેળવણી મંડળ તથા શાળા પરિવાર દ્વારા શ્રી ચેતનભાઇ પટેલ નો નિવૃત્ત જીવન આરોગ્યમય નિરામય અને પ્રવૃત્તિશીલ રહે તેવી પ્રભુ પ્રાર્થના કરવામાં આવી હતી. આચાર્યશ્રી ચેતનભાઇ પટેલ દ્વારા કેળવણી મંડળ શાળાના સ્ટાફગણ દ્વારા તેમના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.