ગુજરાતના ધરતીપુત્રો રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણલક્ષી યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકાશે

ગુજરાત કારોબાર ન્યુઝ દ્વારા 

અહેવાલ-ભરતસિંહ ઠાકોર અરવલ્લી (બ્યુરો ચીફ)

*આઈ-ખેડૂત પોર્ટલ વિવિધ જિલ્લા માટે તબક્કાવાર સાત દિવસ માટે અરજીઓ મેળવવા ખુલ્લું રખાશે:*

• રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા માટે તા. ૨૧ થી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

• અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લા માટે તા. ૨૩ થી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

• મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદાના ખેડૂતો માટે તા. ૨૪ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી

ગુજરાતના ખેડૂતોને સ્વનિર્ભરતા તરફ લઇ જવા માટે રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે આઈ-ખેડૂત પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૪-૨૫માં ખેડૂતો આવી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવા અરજી કરી શકે તે માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા જિલ્લાવાર સાત દિવસ માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે, તેમ ખેતી નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર, ખેડૂતો માટેની ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાક મૂલ્યવૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલીત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલબાર જેવી યોજનાઓ માટે આઇ-ખેડૂત પોર્ટલ તબક્કાવાર ખુલ્લું મૂકવામાં આવશે.

જે અંતર્ગત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાને મળી કુલ ૧૧ જિલ્લાના ખેડૂત મિત્રો વિવિધ યોજનાનો લાભ મેળવવા માટે આગામી તા. ૨૧ સપ્ટેમ્બરથી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. તેવી જ રીતે, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લાને મળી કુલ ૧૦ જિલ્લાના ખેડૂતો માટે આગામી તા. ૨૩ સપ્ટેમ્બરથી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે. આ ઉપરાંત મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર, દાહોદ, ભરૂચ અને નર્મદા જિલ્લાને મળી કુલ ૧૨ જિલ્લાના ખેડૂતો આગામી તા. ૨૪ સપ્ટેમ્બરથી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે.

રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા રાજ્યના સૌ ખેડૂત મિત્રોને અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *