શહીદ દિવસ નિમિતે યાદ કરીએ આપણા અરવલ્લી જિલ્લાના વીર સપૂતોને જેમણે આઝાદીની લડાઈમાં યોગદાન આપ્યું

ગુજરાત કારોબાર ન્યુઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મથુરદાસ ગાંધી, નટવરલાલ ગાંધી, ચુનીલાલ ગાંધી,મોહનલાલ ગાંધી,પુરુષોત્તમદાસ શાહ, રમણલાલ સોની, અને સુરજીભાઈ સોલંકી જેવા અનેક લડવૈયાઓને કેવી રીતે ભૂલી શકાય

અરવલ્લીના રાષ્ટ્રપ્રેમી સપૂતોનું પૂણ્ય સ્મરણ કરી તેમને વંદન. બ્રિટીશ હકુમતના પાયા હચમચાવી નાંખનારી દાંડીકૂચ અને નમક સત્યાગ્રહમાં પણ આ જિલ્લાની મહિલા શક્તિના પ્રતિક મણીબહેનના યોગદાનને બિરદાવીએ

આજે દેશ “શહીદ દિવસની” ઉજવણી કરી રહ્યો છે. ત્યારે દેશની આઝાદી માટે લડનારા અને પોતાના પ્રાણોની આહુતિ આપનારા દરેક લડવૈયાઓને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે ભારતે વર્ષો સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, અને પછી આપણને આઝાદી મળી. આવી સ્થિતિમાં શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતે બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર રાષ્ટ્ર શ્રધ્ધાંજલી પાઠવે છે. અંગ્રેજોનાં રાજમાં ભારતનાં વીર પુત્રોએ આઝાદીને મેળવવા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતુ. સમગ્ર દેશ આજે ‘શહીદ દિવસ’ મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના – ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી.

 અરવલ્લી જિલ્લામાં નવરાત્રી, દશેરા,  દિવાળી, ઉત્તરાયણ અને હોળી વગેરે તહેવારોને વિદેશી માલની હોળી કરીને રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવ્યા હતા. એટલું જ નહીં પણ વિદેશી કાપડનો મોટાભાગનો વેપાર વણીકોના હાથમાં હોવા છતાં આર્થિક લાભોને અવગણી વણિક સપૂતો અને સુપુત્રીઓએ પોતાની સગાઓની અને જ્ઞાતિભાઈઓની દુકાનો પર કડક પેકેટિંગ કરીને એ ઝુંબેશને સફળ બનાવી હતી. આમ વિદેશી કાપડના બહિષ્કારની ઝુંબેશ માં અરવલ્લીનું પ્રદાન વિશિષ્ટ રહ્યું.

અદાલતના બહિષ્કારની ઝુંબેશ દરમિયાન મોડાસામાં સરકારી અદાલતો નો વિકલ્પ પુરો પાડવા માટે જનતાની લવાદ કોર્ટ સ્થપાઈ હતી. જેમાં 40 સદગુરુહસ્તોએ ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી હતી. ઈસ. 1930 માં યોજાયેલી વડી ધારાસભાની તથા મુંબઈ ધારાસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને રાજકીય જાગૃતિનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

મીઠાના કાયદા સામેના આંદોલનમાં અરવલ્લીના યુવાનો દાંડી લસુન્દ્રા ધોલેરા રાણપુર ધંધુકા અને મુંબઈના વડાલા ગામ સ્થળોએ જઈ મીઠાના સત્યાગ્રહમાં જોડાયા હતા. તે સ્થળોથી બિન જકાતથી મીઠું લાવીને ગામમાં વહેચ્યુ હતું. ધોલેરાની ખાડીથી લાવેલું મીઠું વેચવા મોડાસામાં યોજાયેલી સભા પર પોલીસએ અમાનુષી અત્યાચાર કરીને 80 અબાલ વૃદ્ધોને ઘાયલ કર્યા હતા.
મણીબેન દોશી એ જેલમાં જવાના ઈરાદાથી જાહેરમાં મીઠું પકવવાનો કાર્યક્રમ યોજવાની તૈયારી કરી હતી. આમ મીઠાના કાયદાના ભંગ દરમિયાન ધરપકડો વોહરીને તથા લાઠીચાર્જ જીલીને સ્વયં શિસ્ત અને બલિદાનની ભાવનાના બુનિયાદી મૂલ્યોની પ્રસ્થાપિત કરીને સબળ અને સક્ષમ રાજકિય વાતાવરણ સર્જ્યું હતું.

ભારતીબેન સારાભાઈએ મોડાસામાં આવીને મોડાસાની મહિલાઓને આઝાદીની લડતમાં જોડાવા ઉત્તેજન આપ્યું હતું. પરિણામે મણીબેન દોશી, શાંતાબેન પટેલ, માણેકબેન પરીખ, પીલીબા, લલીતાબેન શાહ અને ભાનુમતિબેન વગેરે મહિલાઓએ લડતમાં નોંધપાત્ર કામગીરી બજાવી હતી. લલીતાબેન બાળવિદ્યવા હોવા છતાં મોડાસામાં યોજાતી સભાઓ અને સરઘસોમાં ઝંડાધારી તરીકે મોખરે રહેતા હતા.

મેઘરજ તાલુકાના મંગળાભાઈ ભોઇ તથા કલાભાઈ ભગોરા હિંદ છોડો આંદોલન દરમિયાન પત્રિકા પ્રચાર પ્રવૃત્તિ કરતા હતા. સ્વતંત્ર સંગ્રામના રંગે રંગાયેલા સુરેશભાઈ સોલંકી કુટુંબની જીવા દોરી સમાન પોલીસની નોકરી છોડીને લડતમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.
અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિના મૂળ ખિલાફત આંદોલન વખતે નખાયા હતા. તે વખતે મોડાસાના આગેવાન મહમદ હુસેન મુનશી આંદોલનમાં જોડાયા હતા. તેઓ મોડાસા કોંગ્રેસ કમિટીના સક્રિય સભ્ય હતા.

દેશને આઝાદી મળ્યા બાદ પણ માં ભારતીની સેવામાં લાખો વીર સપુતો એ પોતાના પ્રાણની આહુતી આપી. અરવલ્લી જિલ્લાના લક્ષ્મણભાઇ કલાસવા, કાંતિભાઇ કોટવાલ, મુકેશભાઈ ડામોર, દિનેશભાઇ ગડસા, કાંતીભાઇ જોષિયારા અને નાનજીભાઇ જેવા અનેક જવાનો એ દેશ માટે પોતાના પ્રાણ હોમી દીધા

આવો સાથે મળીને શહીદ દિવસે દેશને આઝાદ કરવા અને દેશની રક્ષા માટે પોતાનો બલિદાન આપનારા આ નિર્ભીક શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવીએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *