ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ “વસુધૈવ કુટુંબકમ માટે યોગ” થીમ પર યોજાયો વિશેષ જન સંપર્ક કાર્યક્રમ

આજના સંચાર માધ્યમો સાચા સમાજના આંખ અને કાન છે : કલેક્ટર સુશ્રી પ્રશસ્તિ પારિક

વિકાસના કાર્યોને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં મીડિયાની બહુ મોટી ભૂમિકા છે : શ્રીકૃષ્ણકાંત ઉનડકટ
સોશિયલ મીડિયાના સકારાત્મક પાસાઓની ઓળખ આપણે જ કરવાની રહેશે તો જ ભાવિ પેઢી માટે ફાયદાકારક સાબિત થશે : શ્રી કેતન ત્રિવેદી
વિકાસની વાત અને ફાયદા છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં ગ્રામીણ પત્રકારત્વનો મોટો ફાળો છે : શ્રી મણીભાઈ પટેલ
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગતના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો,અમદાવાદ અને કેન્દ્રીય સંચાર બ્યૂરો, પાલનપુર દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરકારના 9 વર્ષ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત સરકારની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓની માહિતી ગામડાંના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે પત્રકારોને માહિતગાર કરતો એક દિવસીય “વાર્તાલાપ” રૂરલ મીડિયા વર્કશોપ તેમજ સરકારી યોજનાઓની માહિતી અરવલ્લી જિલ્લામાં પ્રસરે તે અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન ઉપસ્થિત મહાનુભાવો સાથે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના કલેક્ટરશ્રી પ્રશસ્તિ પારીકે આજના સંચાર માધ્યમોને સમાજન આંખ અને કાન ગણાવતા વધુમાં જણાવ્યું હતું કે મીડિયા લોકશાહી નો ચોથો અને મહત્વનો સ્તંભ છે.આજે મીડિયાથી દરેક માહિતી સરળતાથી લોકો સુધી પોહચી રહી છે. અને અરવલ્લી જિલ્લાનું મીડિયા ખુબજ સહકાર આપે છે.
આજે ડિજિટલ યુગમાં મીડિયા એક એવુ માધ્યમ બન્યું છે જેના આધારથી સાચી માહિતી પોહચી રહી છે.
અને સરકારશ્રીની યોજનાઓ વિશે જાગૃતિ લાવવાનું માધ્યમ બન્યું છે. આજના આ વર્કશોપથી અરવલ્લીના મીડિયાને નવી જાણકારી મળે તેવી શુભકામના.
અમદાવાદથી વાર્તાલાપ – રૂરલ મીડિયા વર્કશોપમાં ખાસ વક્તા તરીકે ઉપસ્થિત વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક શ્રી કૃષ્ણકાંત ઉનડકટે દેશના વિકાસમાં માધ્યમોની ભૂમિકા અંગે પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે,કોઈપણ મોટુ મશીન નાના નાના બોલ્ટ થી ચાલે છે.. તો નાના ટાઉન ના પત્રકાર નાના બોલ્ટ છે અને તેનાથી આજે મુખ્ય મીડિયા સુધી સાચી વાત પોહચે છે.આજે સોશ્યિલ મીડિયાના કારણે કોઈપણ ખબર હાથવગી થઈ ગઈ છે.સ્માર્ટ ફોનના સમયમાં સમાચારની વિશ્વસનિયતા ઓછી થઈ છે. પણ સાચા સમાચાર લોકો સુધી પોહચે તે વાતની જવાબદારી દરેક પત્રકારની છે. પછી તે સોશ્યિલ મીડિયા ના માધ્યમથી હોય કે કોઈ અન્ય માધ્યમથી હોય પણ ખોટી માહિતીનું પ્રસારણ ના થવું જોઈએ.
આ વેળાએ અમદાવાદના ચિત્રલેખા ડિજીટલનાં બ્યુરો ચીફ શ્રી કેતન ત્રિવેદીએ જણાવ્યું કે,આજે પરંપરાગત પત્રકારત્વ અને નવા પત્રકારત્વનાં પત્રકારિતાનાં આયામો બદલાયા છે. ડિજિટલ યુગના આ પત્રકારત્વમાં જનતા સુધી સચોટ માહિતી પહોંચે એ ખૂબ જરૂરી છે કેમ કે ખોટી માહિતી જનતા અને રાષ્ટ્ર માટે ખતરો પેદા કરી શકે છે. સોશિયલ મીડિયાના સકારાત્મક પાસાઓની ઓળખ આપણે જ કરવાની રહેશે તો જ ભાવિ પેઢી માટે ફાયદાકારક સાબિત થશે.
આ પ્રસંગે ગ્રામીણ પત્રકારત્વમાં બહોળો અનુભવ ધરાવતા અને વરિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી મણીભાઈ પટેલે પોતાના ગ્રામીણ પત્રકારિતાનાં અનુભવો વિશે જણાવ્યું હતું તેમજ ગ્રામીણ સમસ્યાઓ વિશે અવગત કરાવ્યા હતા. વિકાસની વાત અને ફાયદા છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં ગ્રામીણ પત્રકારત્વનો મોટો ફાળો છે.સફળતાની કહાની ગામડામાંથીજ આવે છે. એક ખેડૂત સારી ખેતી કરે છે તો તેની વાત પ્રોત્સાહનરૂપે લોકો સુધી પોંહચવી જોઈએ.પત્રકારત્વમાં સાચી હકીકત ને કેવી રીતે બહાર લાવવી અને જનતા સુધી પોહચાડવી એ જવાબદારીનું કામ છે. આજે ગ્રામ્ય પત્રકાર અનેક છુપાયેલી સિદ્ધિઓ લોકો સુધી પોહચાડી શકે છે.
આ પ્રસંગે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો અને કેન્દ્રીય સંચાર બ્યૂરો, અમદાવાદના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદૂમે પીઆઈબીની કામગીરી વિશે વિસ્તૃત માહિતી આપી હતી, જેમાં તેમણે જણાવ્યું કે સરકારી યોજનાઓ લાભાર્થીઓ સુધી પહોંચે એમાં મીડિયાની ભૂમિકા અગત્યની રહેલી છે. મીડિયાની ભૂમિકા નાગરીકોની જાગૃતિમાં પણ રહેલી છે. જાગરૂક નાગરિક દેશની સૌથી મોટી મૂડી છે.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા “9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ ” તેમજ ” વસુધૈવ કુટુંબકમ માટે યોગ ” વિષય અંતર્ગત મોડાસા ખાતે આયોજીત વિશેષ જનસંપર્ક કાર્યક્રમમાં વિવિધ જનજાગૃતિ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું.
ભારત સરકાર ની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ તેમજ સરકારના વિકાસ કાર્યોની માહિતી અરવલ્લી જિલ્લાના નાગરીકો મળી રહે તેમજ વિશેષ 9 વર્ષ દરમ્યાન ભારત સરકારની સિદ્ધિઓથી સમાન્ય જનતાને વાકેફ કરવા 9 વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોડાસા ખાતે ન્યુ લિપ ઈન્ટરનેશનલ સ્કૂલ, સર્વોદય હાઇસ્કૂલ અને ઔધોગિક તાલીમ સંસ્થા, મોડાસા ખાતે નિબંધ સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજેતાઓને ઇનામ આપી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં ન્યુ લિપ ઈન્ટરનેશનલ સ્કૂલ માં આયોજીત વકતૃત્વ સ્પર્ધાના વિજેતા પ્રિન્સ હિરેનભાઈ પટેલ ને પ્રથમ ઇનામ, લિપ સ્કૂલના જ પટેલ કાવ્યા રોહિત કુમાર ને નિબંધ સ્પર્ધા માટે પ્રથમ ઇનામ તેમજ સર્વોદય હાઇસ્કુલ માં યોજાયેલ નિબંધ સ્પર્ધાના પ્રથમ વિજેતા પૂજારા જયશ્રી વિક્રમભાઈને કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા ઇનામ આપવામાં આવ્યા હતા.
મોડાસા ખાતેની વિવિધ સંસ્થાઓમાં શ્રી સાબરકાંઠા જિલ્લા યુવા પરીવારના કલાકારો દ્વારા વિષય અનુરૂપ નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.
ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય અંતર્ગત કાર્યરત પત્ર સૂચના કાર્યાલય, અમદાવાદ તેમજ કેન્દ્રીય સંચાર બ્યૂરો, ક્ષેત્રિય કાર્યાલય, પાલનપુર દ્વારા 9 વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ તેમજ “વસુધૈવ કુટુંબકમ માટે યોગ” થીમ પર યોજાયેલ કાર્યક્રમમાં વિષય અનુરૂપ ફોટો પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનને કાર્યક્રમમાં ઉપસ્થિત જનતાએ નિહાળ્યું હતું.