ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી,ગુજરાત
૩(ત્રણ) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો વડાગામ, બોલુન્દ્રા, અને લીંભોઇ ને બીજીવાર પ્રમાણપત્ર મળ્યું.
આરોગ્ય વિભાગ ભારત સરકાર દ્વારા સરકારી આરોગ્ય સેવાઓ આપતી જુદી-જુદી સંસ્થાઓને નેશનલ કવોલિટી એશ્યોરન્સના માપદંડમાં ખરા ઉતરતા સર્ટીફિકેટ આપે છે. જે અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાગામ, બોલુન્દ્રા, અને લીંભોઇ ને તથા હેલ્થ અને વેલનેસ સેંટર આમોદરા, સૂનસર, કદવાડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને ગુણવત્તાયુકત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થતાં યશકલગીમાં વધુ એક મોરપીચ્છ ઉમેરાયું છે.
જિલ્લામાં આરોગ્યની સેવાઓ સુદ્રઢ થાય તે માટે સતત માર્ગદર્શન અપાય છે. જેના પરીણામ સ્વરૂપે રાષ્ટ્રીય કક્ષાએથી આવેલી ટીમે વિવિધ સેન્ટરોની મુલાકાત લઇને ચેકલિસ્ટ મુજબ જરૂરી મુદ્દાઓની ચકાસણી કરી હતી.
ત્યારબાદ નિરિક્ષકો દ્વારા દર્દીઓના અભિપ્રાયો લેવાયા હતા. જેમાં અરવલ્લી જિલ્લાના તાલુકા ધનસુરાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વડાગામ ને ૮૧.૦૪ ટકા , તાલુકા મોડાસાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોલુન્દ્રાને ૮૪.૦૮ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીંભોઇ ને ને ૮૦.૩૩ ટકા માર્કસ મેળવ્યા હતા.
તાલુકા ધનસુરાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-આમોદરાને ૮૨ ટકા, તાલુકા ભિલોડાના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-સૂનસરને ૮૦ ટકા અને તાલુકા મેઘરજના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-કદવાડી ૮૨ ટકા માર્કસ સાથે ગુણવત્તાયુકત સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર મળવાના કારણે સ્થાનિક જન સામાન્યને મળતી આરોગ્ય સેવાઓ, સુવિધાઓમા ઉત્તરોતર વધારો થશે. છેલ્લા ૩ વર્ષમાં અરવલ્લી જિલ્લાના કુલ ૨૪ આરોગ્ય સંસ્થાઓએ આ પ્રમાણપત્ર મેળવ્યું છે જે પૈકી ૩ પ્રાથમિક આરોગ્ય કેંદ્રો વડાગામ, બોલુન્દ્રા, અને લીંભોઇ ને બીજી વાર આ પ્રમાણપત્ર મેળવ્યું છે