ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર અરવલ્લી

અરવલ્લી જિલ્લા ક્રાઇસીસ ગૃપ તથા નાયબ નિયામક ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય, ગાંધીનગરના સંયુકત ઉપક્રમે અરવલ્લી પાસેના ખોડંબા ખાતે આવેલ નીઓન ફ્યુલ લિ. (NEON FUEL LTD) ફેક્ટરી ખાતે ઓફ સાઈટ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કારખાનામાં LPG ગેસ જેવા અતિ જ્વલનશીલ ગેસનું ટેન્કર અનલોડીંગ કરતી વખતે લીકેજ થયેલ અને ગેસને સ્પાર્ક મળતા લાગેલ આગને કાબુમાં કરવા માટેનું સફળતાપૂર્વક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. સંભવિત ઈમરજન્સીના સંજોગોમાં અગમચેતીના પગલાં રૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક મદદ અને રાહત મળી રહે તેમજ સતર્કતાનું માપદંડ ચકાસવા આ પ્રકારના મોકડ્રીલનું આયોજન કરવામાં આવે છે. નીઓન ફ્યુલ લિ. (NEON FUEL LTD) માં યોજેલ મોકડ્રીલમાં આગને કાબુમાં લેવા, સ્ટોરેજ ટેન્ક દ્વારા પાણીનો મારો મારવામાં આવેલ. આ સાથે મોડાસા નગરપાલિકા ફાયરબ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા તબીબી સારવાર તેમજ ઈજા પામેલ કર્મચારીને ઇમરજન્સીમાં તુરંત એમ્બ્યુલન્સ દ્વારા દવાખાને પહોંચાડવાની ક્રમબદ્ધ કામગીરી સફળ રીતે કરી હતી.