ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

ચક્કર ચક્કર ઘૂમી ચાકડો, પીંડ સહિત માટીનો…
ગોળ ઘૂમે ને ઘાટ ઘડાય રોજ નવા આકારો..!!
કુંભાર તણી હાથ લાકડીયેથી,રોજ ચાકડો ફરતો,આજના યાંત્રિક યુગમાં ઉનાળાની ગરમીમાં તરસ છીપાવવા લોકો ફ્રીઝનો ઉપયોગ કરે છે.આજે ફ્રિજ કરતા વધારે માટલાનું પાણી પીવાનો વ્યાપ વધારે છે, દરેક ઘરમાં આજે અલગ અલગ ડિઝાઇનના અને અલગ અલગ પ્રકારના માટલાઓ જોવા મળે છે, ત્યારે ખુબજ પ્રખ્યાત દેશી માટીમાંથી અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના લીલછા ગામના બ્રહ્માના પુત્રો એટલે કે પ્રજાપતિ સમાજ દ્વારા હાથે ઘડીને બનાવેલ માટલા સમગ્ર દેશમાં ઠંડુ પાણી પીવા માટે આશીર્વાદ રૂપ સાબિત થયા છે.હા દેશી માટલા તો ઘણા ગામોમાં બનાવાય છે પરંતુ લીલછાના માટલા વર્ષોથી પ્રખ્યાત છે.ઉનાળાની સીઝનમાં તમામ પરિવારો લાખોની સંખ્યામાં માટલા બનાવે છે. આ માટલા સમગ્ર ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં જાય છે.આ ગામમાં પેઢીઓથી આ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો રહે છે. સરકારના કુટિર ઉદ્યોગ દ્વારા માટલા પકવવા માટે ભઠ્ઠી પણ પ્રાપ્ત થયેલ છે. ત્યારે સ્થાનિક માટલાના વ્યવસાય સાથે વણાયેલા પ્રજાપતિ પરિવારોને તેમના વ્યવસાય પ્રત્યે ખુબ ગર્વ છે.લીલછા ગામના યજ્ઞેશભાઈ જણાવે છે, ‘આ ગામમાં વર્ષોથી આ માટીકામ કરીએ છીએ, પરંપરાગત વ્યવસાયમાં જોડાયેલા છીએ. લીલછાના માટલાઓ ખુબ પ્રખ્યાત છે અને આજુબાજુના ગામોમાં તેમજ બીજા જિલ્લાઓમાં પણ વેચાણ કરીએ છીએ અને ગુજરાન ચલાવીએ છીએ.200 જેટલા પરિવારો આજે પણ તેમના માટલા બનાવવાના હુન્નરને અકબંધ રાખી ગામના પ્રખ્યાત બનેલા દેશી માટલા અને લોળિયાની પરંપરાને જાળવી રહ્યા છે.