ગુજરાત કારોબાર ન્યૂઝ/ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી

શામળિયા ઠાકોરના દર્શન સાથે કરીએ સફાઈ અભિયાન રૂપી સ્તુતિ,તા.૨૨ એપ્રિલના રોજ સવારે ૮ થી ૧૧ દરમિયાન શામળાજી પહોંચીને સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનીએ,યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત આગામી તા.૨૨ એપ્રિલ શનિવારથી રાજ્યભરના વિવિધ યાત્રાધામ ખાતે સફાઈ અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે અરવલ્લી સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના મંત્રીશ્રી ભિખુસિંહ પરમારની અધ્યક્ષતામાં સફાઈ અભિયાન હાથ ધરાશે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.જિલ્લા કલેકટરશ્રી દ્વારા સફાઈ અભિયાનને લઈને તમામ વ્યવસ્થાઓ ઊભી કરવા સૂચન કરાયું. તેમણે જિલ્લાના નાગરિકોને તથા સેવાભાવી સંસ્થાઓને ગરિમા અને પવિત્રતાના ભાગરૂપે શામળાજી તીર્થધામને સ્વચ્છ બનાવવાના સફાઈ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી. આ સફાઈ અભિયાન સવારે ૮ વાગ્યે શરૂ થશે જે ૧૧ વાગ્યા સુધી ચાલશે.જેમાં શામળાજી પરિસર સહિત આસપાસના વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. સેવા અને શ્રમનું દાન કરી પ્રભુની અસીમકૃપા મેળવવા જિલ્લા વહીવટી તંત્ર અરવલ્લી દ્વારા જિલ્લાના નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે.
