અહેવાલ:- કુંદનકુમાર પરમાર
*******
રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટને સાકાર કરવા પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા અમીરગઢના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરાયું
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ભાયલા ગામે જંગલ વિસ્તારમાં પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને તિરંગા યાત્રા અને સિડ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર અને જિલ્લામાં તાલીમ લઈ રહેલા તાલીમાર્થીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે લોકો પર્યાવરણ પ્રત્યે વધારે લાગણીશીલ બને, તેમજ આપણા વડવાઓ પણ પર્યાવરણ બાબતે કેટલા જાગૃત હતા અને તેમના દ્વારા શું કરવામાં આવ્યું છે જેને લઇ આ વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું અને બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા આ ટેકરીનું "પોલીસ ટેકરી" તરીકે નામકરણ પણ કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાની ગિરિમાળામાં આજે પોલીસ પરિવાર દ્વારા ગામ નજીક આવેલી એક ટેકરી ખાતે તિરંગા યાત્રા અને સિડ બોલનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમા મોટી સંખ્યામાં પોલીસ પરિવારના જવાનો હાજર રહ્યા હતા. આ ટેકરી ખાતે 50,000 થી વધારે સિડ બોલનું પ્લાન્ટેશન કર્યું છે, બનાસકાંઠા પોલીસ પરિવાર અને બનાસ ડેરી સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, 5150 સ્ક્વેર મીટરની રેન્જમાં સિડ બોલ પ્લાન્ટેશન કરવામાં આવ્યા છે.
આજે રક્ષાબંધનના પર્વ નિમિત્તે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગ્રીન અંબાજી પ્રોજેક્ટને સાકાર કરવા પોલીસ પરિવાર અને બનાસ ડેરી દ્વારા અમીરગઢ તાલુકાના ભાયલા ખાતે પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લઈ જિલ્લાના છેવાડાના માનવી સુધી પર્યાવરણ જાગૃતિનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન જિલ્લા પોલીસ વડાએ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા પોલીસ વડાશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આપણી અરવલ્લીની ગિરીમાળા કે જેને ગ્રીન કરવા સંબધે બનાસ ડેરીના સહયોગથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેમાં આજે રક્ષાબંધન નિમિત્તે બનાસકાંઠા પોલીસ દ્વારા અરવલ્લી રેન્જની ભાયલા ગામની ટેકરી દત્તક લેવામાં આવી છે. પોલીસ દ્વારા દેશ પ્રેમ અને પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે એક તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. લોકો પર્યાવરણને પણ સમજે અને પોલીસનો આ મેસેજ જિલ્લાના દરેક માનવી સુધી પહોંચે જેના માટે થઈ આ ટેકરી પર ખુબ મોટી સંખ્યામાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે.