ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી




ભારત દેશનાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતભૂમિ પર જ્યારે વિદ્યાર્થીઓને પ્રિય એવો શિક્ષક દિન મનાવતો હોય ત્યારે મોડાસા કેળવણી મંડળ સંચાલિત બી -કનઈ શાળા પરિવાર દ્વારા આ શિક્ષણના પર્વની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગના અનુક્રમે મંડળના પ્રમુખ બિપીનભાઈ આર શાહ કેળવણી મંડળનાં સેક્રેટરી ધીરેનભાઈ પ્રજાપતિ,નિખિલભાઈ શાહ ઉપસ્થિત રહી આ શૈક્ષણિક પર્વનાં સાક્ષી બન્યા અને સૌને શિક્ષકદિનની શુભકામનાઓ પાઠવી હતી.શિક્ષકદિનનાં પાવન પર્વ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા ધોરણ 9 અને 10 નાં વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. જેમાં સૌથી પહેલા શાળામાં કામ કરતાં કર્મચારીઓને લગતી જાહેરાત બહાર પાડવામાં આવી, વિદ્યાર્થીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી, ત્યારબાદ ઈન્ટરવ્યું લેવામાં આવ્યા. ઈન્ટરવ્યું પાસ કરનાર વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકોએ એક દિવસીય તાલીમ યોજી જરૂરી વિષયનું માર્ગદર્શન આપીને યોગ્ય ટ્રેનીંગ પૂરી પાડી અને આજ રોજ “શિક્ષક દિન”ના પાવન પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર જે. પી. ઉપાધ્યાય એ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને યાદ કરીને તેમનો જીવન પરિચય આપ્યો હતો શાળાના આચાર્ય કુંદનસિંહ જોદ્ધા એ શિક્ષક દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી અને શાળાના વાઇસ પ્રિન્સિપાલ વિક્કી ડી સોની એ ઉપસ્થિત સૌ ગણમાન્ય અતિથિઓનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઇન્ચાર્જ શિક્ષક પ્રદીપ જોશી, ભુમી દોશીનો તેમજ આર્ટ શિક્ષક કિરણ પુજારાનો આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિત સૌને શિક્ષકદિન પર્વની શુભકામનાઓ પાઠવી હતી.