મોડાસાની બહેરા મુંગા શાળાના દિવ્યાંગ બાળકોએ કર્યું સામુહિક ગાયત્રી મહામંત્ર લેખન

મોડાસાની વાડિલાલ હીરાલાલ ગાંધી બહેરા મુંગા શાળામાં દિવ્યાંગ બાળકોનો સામુહિક ગાયત્રી મહામંત્ર સાધનાનો કાર્યક્રમ યોજાયો. દિવ્યાંગ બાળકોમાં માનસિક તણાવને દૂર કરવાનો એક અનુપમ પ્રયોગ મોડાસા સહિત સમગ્ર ગુજરાતમાં એક સાથે એક સમયે આ અદભુત પ્રયોગ કરવામાં આવ્યો. ૩ ડિસેમ્બર વિશ્વ દિવ્યાંગ દિવસ રવિવારની રજા હોઈ તેના અનુસંધાનમાં ૫ ડિસેમ્બરે મોડાસા સહિત અલગ અલગ જિલ્લાઓમાં થઈ દિવ્યાંગ બાળકોની કુલ 33 સમગ્ર દિવ્યાંગ સંસ્થાઓમાં ૧૧:૩૦ થી ૧૨:૦૦ દરમિયાન સામુહિક ગાયત્રી મહામંત્ર જાપનું આયોજન થયું. વિવિધ દિવ્યાંગ બાળકોનો અલગ અલગ રીતે ગાયત્રી મહામંત્ર જાપ સાધનાનો કાર્યક્રમ રાખેલ. જેમાં જેઓ લખી શકે તેમના માટે લેખન. જે દિવ્યાંગ બાળકો શારિરીક અસ્વસ્થ હોય તેઓ ગાયત્રી મહામંત્રના અવાજ સાથે સાથે માનસિક જાપ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ગુજરાતભરમાં આજ કુલ ૩૨૬૯ દિવ્યાંગ બાળકો આ ગાયત્રી મહામંત્ર સાથે લાભાન્વિત થયા.
આ સમગ્ર ગુજરાતના એક સાથે એક સમયના આયોજનમાં મોડાસા પણ જોડાયું. મોડાસાની બહેરા મુંગા શાળા એ આ સમગ્ર ક્ષેત્રમાં આશિર્વાદ રુપ સંસ્થા છે. આજે સવારે ૧૧:૩૦ કલાકે મોડાસા ગાયત્રી પરિવારના પ્રમુખ ધર્માભાઈ પટેલ તેમજ સંસ્થાના હોદ્દેદારો દ્વારા દિપ પ્રાગટ્ય સાથે શુભારંભ થયો. બહેરા મુંગા એવા ૬૫ બાળકો આ ગાયત્રી મહામંત્ર લેખન કાર્યમાં સહભાગી બન્યા. આ ત્રીસ મિનિટના સાધનાત્મક પ્રયોગ પાછળ આ દિવ્યાંગ બાળકોમાં સર્વાંગીક માનસિક તનાવ દૂર થઈ ગાયત્રી મહામંત્રની દિવ્ય ઉર્જાથી લાભાન્વિત થાય. મંત્ર લેખનમાં જોડાયેલ બાળકોના મુખ પરના ભાવ જોઈ ઉપસ્થિત સૌ આશ્ચર્ય ચકિત હતાં. ગાયત્રી મહામંત્ર એ વૈશ્વિક દિવ્ય ઉર્જાની પ્રાર્થના છે.
આ આયોજન માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ હરિદ્વાર આયોજીત ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરિક્ષાના દિવ્યાંગ બાળકોના ગુજરાતના કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ સમગ્ર ગુજરાતની સંસ્થાઓનો સંપર્ક કરી એક સાથે આ દિવ્યાંગ બાળકો માટે સાધનાત્મક આંદોલન હાથ ધર્યુ હતું.
આજના આ મોડાસાના આયોજનમાં વા. હિ. ગાંધી બહેરા મુંગા શાળા સંસ્થાના પ્રમુખશ્રી ડૉ. ટી. બી. પટેલ સાહેબ, મંત્રીશ્રી મનુભાઈ પટેલ, મંત્રીશ્રી ભાવેશભાઈ જયસ્વાલ, આચાર્યશ્રી સંદિપભાઈ પટેલ, કર્દમભાઈ વ્હોરા, પરિનભાઈ જોષી સહિત સૌ શિક્ષક ભાઈઓ બહેનોએ ખૂબ જ ઉત્સાહભેર આયોજન સફળ બનાવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિશેષમાં ગાયત્રી પરિવાર અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, કન્યા-કિશોર કૌશલ્ય અભિયાનના મધુબેન પ્રજાપતિ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારાએ આ કાર્યક્રમમાં સહયોગ આપનાર સૌને બિરદાવતા ગાયત્રી મહામંત્રનું મહત્વ રજુ કર્યું હતું. મંત્રીશ્રી ભાવેશભાઈ જયસ્વાલે સંસ્થા વતી આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સમાપન કરવામાં આવેલ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *