ગુજરાત કારોબાર ન્યુઝ-ભરતસિંહ ઠાકોર (બ્યુરો ચીફ) અરવલ્લી
વિકાસથી કોઈ ગામ-કોઈ વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સાકાર થઈ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાને રૂ. ૨૭૪ કરોડના બહુવિધ વિકાસ કામોની ભેટ આપતા જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસથી કોઈ ગામ કે વિસ્તાર વંચિત ન રહે તેવી સૌના સાથ, સૌના વિકાસની ભાવના સાકાર કરી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગરીબ, વંચિત, છેવાડાના અંતરિયાળ વિસ્તારોના લોકોની સેવા દ્વારા તેમને વિકાસની મુખ્યધારામાં લાવવાની આ મોદીજીની ગેરંટી છે.
મુખ્યમંત્રીશ્રીએ અરવલ્લી જિલ્લામાં રોડ ફોરલેન, માઝૂમ નદી પર મેજર બ્રિજનું ખાતમુહૂર્ત, કિસાન સૂર્યોદય યોજના અન્વયે ૨૨૦ કે.વી. સબ સ્ટેશન ખાતમુહૂર્ત અને આદિજાતિ ખેડૂતોને ખેતી માટે પાણીની સુવિધા આપતી ઉદવહન સિંચાઈ યોજના સહિતના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.
શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, લોકોના વિકાસ માટે કામો કરવાની જનહિતકારી નેમ હોય તો કેવા વિકાસ કામો થાય તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આપણે શીખ્યા છીએ.
વડાપ્રધાનશ્રીએ સતત અવિરત અને ગતિશીલ વિકાસનો જે કાર્ય મંત્ર આપ્યો છે તેને આગળ ધપાવતા આ ડબલ એન્જીન સરકારે પાછલા ૬ જ મહિનામાં અરવલ્લી જિલ્લાને સમગ્રતયા રૂ. ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપી છે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે, જળ, જમીન અને જંગલ સાથે જોડાયેલા આદિજાતિ બાંધવોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની અને યોજનાઓના લાભો ઘેરબેઠા પહોંચાડવાની પરિપાટી વડાપ્રધાનશ્રીએ વિકસાવી છે.
આ હેતુસર સમગ્ર દેશમાં ૧૫મી નવેમ્બર, ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતીથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
આ વિકસિત ભારત સંકલ્પયાત્રાએ આદિજાતિ સમુદાયોના કલ્યાણની આગવી દિશા આપી છે અને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનો પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ પાર પાડવામાં તે મહત્વપૂર્ણ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે રાષ્ટ્રીય ગ્રામીણ આજિવીકા મિશનના લાભાર્થીઓને સહાય ચેક, પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ, ખેડૂત સાધન સહાય યોજનાના ચેક, દિવ્યાંગ સહાય તેમજ ટી.બી. મુક્ત અરવલ્લીની નેમ સાથે સેવા સંસ્થાઓ દ્વારા ટી.બી. કીટનું પણ વિતરણ લાભાર્થીઓને કર્યું હતું.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી અને ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, અરવલ્લી જિલ્લાના આજે નવા સબસ્ટેશન અને અદ્યતન કચેરી મળી રહી છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતને ભારતના વિકાસનું રોલ મોડલ બનાવ્યું છે. આજે આપણને સમગ્ર ગુજરાતમાં ૨૪ કલાક વીજળી મળી છે.
અરવલ્લી જિલ્લામાં ૨૦૦૨ માં ૧૩ સબ સ્ટેશન હતા જે આજે ૪૦ સબ સ્ટેશન થયા છે. જિલ્લામાં હજુ આગામી સમયમાં બીજા ૬ સબ સ્ટેશન બનવાના છે. ગુજરાતમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાનો હલ ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વની રાજ્ય સરકારે કર્યો છે. તમામના સહયોગથી ગુજરાતનું અર્થતંત્ર નવી ઊંચાઈ પર પહોંચશે એમ પણ તેમણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજય મંત્રીશ્રી અને અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સર્વશ્રી મુકેશભાઈ પટેલ, ભીખુસિંહ પરમાર, સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રિયંકા ડામોર ,ભિલોડા ધારાસભ્ય શ્રી પી.સી.બરંડા, બાયડ ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના પદાધિકારીઓ અને જિલ્લાનાં નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.