વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી. વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું ” સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા તંત્રની અપીલ

વલસાડ અનિશ શેખ દ્વારા

વલસાડ જિલ્લામાં આગામી પાંચ દિવસ તાપમાન ૪૩ થી ૪૫ ડિગ્રી સુધી જવાની આગાહી

હવામાન વિભાગ દ્વારા તા. ૧૮ મે ના રોજ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ

લાંબો સમય તડકામાં ન રહેવું, ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવા સહિતના સૂચન કરાયા


હવામાન વિભાગ દ્વારા આજ રોજ તા. ૧૮ મે ૨૦૨૪ના રોજ ‘‘ઓરેન્જ એલર્ટ’’ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે તાપમાન ૪૩ ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે રહેવાની શક્યતા છે તેમજ આગામી પાંચ દિવસ તા. ૨૨ મે ૨૦૨૪ સુધી મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી છે.
આ પરિસ્થિતિમાં વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જરૂર પડ્યે બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી, પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવુ જોઈએ જેમ કે, પાણી, લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ORS અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું, તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ, તીખુ ખાવાનું ટાળો તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો, ચા કોફી અને સોડા વાળા પીણાં પર નિયંત્રણ રાખો. બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ. લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા સુતરાઉ કપડાં પહેરવાં. કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો. નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું. ”વારંવાર પાણી પીશું, ગરમીથી બચીશું ” આ સંદેશને મહત્તમ લોકો સુધી પહોંચાડવા આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત વલસાડ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.


હિટવેવને કારણે થતી શારીરિક અસરોના લક્ષણો
• ગરમીની અળાઈઓ
• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા.
• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.
• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.
• ઉબકા અને ઉલ્ટી થવી.
-૦૦૦-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *