વલસાડ : એનિશ શેખ દ્ધારા
ધવલ પટેલ એકદમ નવો ચહેરો અને અનંત પટેલ આદીવાસીઓ ના મસીહા તરીકે જાણીતા, પરંતુ અહીં બીજેપી નું સિમ્બોલ કામ કારીગયું..! ધવલ પટેલ ને નહિ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચેહરા ને જોઈને લોકોએ મત આપ્યા હોવાની ચર્ચાઓ શરૂ
ભાજપના ધવલ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૫૫૩૫૨૨ મત મળ્યા
૧થી ૧૯ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર આગળ હતા, જયારે ૨૦ થી ૨૩ ચાર રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારને વધુ મત મળ્યા હતા
ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી
લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અંતર્ગત ૨૬- વલસાડ બેઠક પર આજે મંગળવારે વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં મતગણતરી હાથ ધરાતા ભાજપના ઉમેદવાર ધવલભાઈ પટેલને ૭૬૪૨૨૬ મત જ્યારે તેમના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલને ૫૫૩૫૨૨ મત મળતા ભાજપના ધવલ પટેલ ૨૧૦૭૦૪ મતથી વિજેતા થયા છે.
સવારે ૮ કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મત ગણતરી હાથ ધરાતા પ્રથમ રાઉન્ડમાં જ ભાજપના ધવલ પટેલને ૪૪૨૮૬ જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૨૦૪૬૬ મત મળતા પહેલા રાઉન્ડથી જ ધવલ પટેલે ૨૩૮૨૦ મતની સરસાઈ મેળવી હતી. બીજા રાઉન્ડમાં ધવલ પટેલને ૩૯૦૫૩ જ્યારે અનંત પટેલને ૨૬૮૬૦ મત મળતા ધવલ પટેલ ૧૨૧૯૩ મતથી આગળ રહ્યા હતા. પહેલા અને બીજા રાઉન્ડમાં બંને ઉમેદવાર વચ્ચે ૩૬૦૧૩ મતનું અંતર જોવા મળ્યું હતું.ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસના અંનત પટેલને ૨૫૧૬૨ જ્યારે ભાજપના ધવલ પટેલને ૩૮૬૬૫ મત મળતા ધવલ પટેલ ૧૩૫૦૩ મતથી આગળ રહ્યા હતા. કુલ ૩ રાઉન્ડ સુધીમાં બંને વચ્ચે ૪૯૫૧૬ મતોનું અંતર જોવા મળ્યું હતું. ચોથા રાઉન્ડમાં અનંત પટેલને ૨૭૫૨૩ જ્યારે ધવલ પટેલને ૪૦૦૨૨ મત મળતા તેઓ ૧૨૪૯૯ મતથી ચોથા રાઉન્ડમાં આગળ રહ્યા હતા. કુલ ૧ થી ૪ રાઉન્ડમાં બંને વચ્ચે ૬૨૦૧૫ મતનું અંતર જોવા મળ્યું હતું. ૫ થી ૧૯ રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર સતત આગળ રહ્યા હતા પરંતુ ૨૦ માં રાઉન્ડમાં ભાજપના ધવલ પટેલ કરતા કોંગ્રેસના અનંત પટેલને વધુ મત મળ્યા હતા. જેમાં ધવલ પટેલને ૧૫૧૨૯ જ્યારે અનંત પટેલને ૧૭૨૮૫ મત મળ્યા હતા. જોકે કુલ ૨૧ રાઉન્ડ સુધીમાં ભાજપને ૭૪૨૭૫૭ જયારે કોંગ્રેસને ૫૨૭૭૩૩ મત મળતા ભાજપના ધવલ પટેલે ૨૧૫૦૨૪ મતની સરસાઈ મેળવી લીધી હતી. ૨૨માં રાઉન્ડમાં ધરમપુર, વલસાડ, પારડી અને ઉમરગામની મત ગણતરી પૂર્ણ થયા બાદ ડાંગ, વાંસદા અને કપરાડા બેઠકના મતોની ગણતરી ચાલુ રહી હતી. આ રાઉન્ડમાં પણ કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. ભાજપના ધવલ પટેલને ૮૪૭૦ જ્યારે કોંગ્રેસના અનંત પટેલને ૧૦૪૬૮ મત મળ્યા હતા. ડાંગ અને વાંસદાના ૨૩માં રાઉન્ડમાં પણ કોંગ્રેસના અનંત પટેલને ભાજપના ધવલ પટેલની સરખામણીએ ૮૦૮ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૨૧૮ અને ધવલ પટેલને ૭૪૧૦ મત મળ્યા હતા. અંતે ૨૪માં રાઉન્ડમાં માત્ર ડાંગ બેઠકના મતોની ગણતરી ચાલુ રહેતા ભાજપને ૧૪૧૦ મત વધુ મળ્યા હતા. અનંત પટેલને ૮૮૮ અને ભાજપના ધવલ પટેલને ૨૨૯૮ મત મળ્યા હતા. આમ, કુલ ૨૪ રાઉન્ડમાં ૨૬- વલસાડ બેઠકની મત ગણતરી પૂર્ણ થતા કોંગ્રેસના અનંત પટેલને ૫૪૬૪૧૯ જ્યારે ભાજપના ધવલ પટેલને ૭૬૦૯૩૫ મત મળતા બંને વચ્ચે ૨૧૩૬૨૮ મતનું અંતર જોવા મળ્યું હતું. પરંતુ પોસ્ટલ બેલેટના ૧૦૫૭૭ મતની ગણતરી થતા ભાજપના વિજેતા ઉમેદવારની લીડ ઘટી હતી. કારણ કે, પોસ્ટલ બેલેટમાં ભાજપ કરતા કોંગ્રેસને વધુ મત મળ્યા હતા. અનંત પટેલને ૬૨૧૫ જ્યારે ધવલ પટેલને ૩૨૯૧ ટપાલ મત મળ્યા હતા. જેથી ભાજપના ઉમેદવારનું જીતનું અંતર ઘટતા અંતે ૨૧૦૭૦૪ મતથી ધવલ પટેલનો વિજય થયો હતો. કુલ ૧ થી ૨૪ રાઉન્ડમાં ચાલેલી મત ગણતરી દરમિયાન જેમ જેમ ડાંગ, વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠકના મતોની ગણતરી થતા કોંગ્રેસને વધુ મત મળી રહ્યા હતા જ્યારે વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર ભાજપને મોટી સરસાઈ મળી હતી.
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી –વ- જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકે ભાજપના ધવલ પટેલને વિજેતા ઉમેદવાર જાહેર કરી પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે, રાજકોટ ટીઆરપી મોલમાં આગની કરૂણ દુર્ઘટનાને પગલે ભાજપ દ્વારા સંવેદનશીલતા દાખવી વિજય સરઘસ કાઢવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું.
ગત ચૂંટણીમાં નોટામાં ૧૯૩૦૭ જ્યારે ૨૦૨૪માં નોટામાં ૧૮૩૭૩ મત પડ્યા
સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોય તો નોટાનો વિકલ્પ પણ ઈવીએમમાં આપ્યો છે. વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ૨૬- વલસાડ બેઠક પર કુલ ૧૨૬૧૩૬૪ મતદારોએ મતદાન કર્યુ હતું. જેમાંથી ૧૯૩૦૭ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જ્યારે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીમાં કુલ ૧૩૬૨૨૧૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાંથી ૧૮૩૭૩ મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. જે આંકડો જોતા ગત ચૂંટણીની સરખામણીએ મતદારોનો નોટા તરફ ઝુકાવ ઘટ્યો હતો. ૨૦૧૯માં વાંસદા બેઠક પર સૌથી વધુ ૩૯૦૬ મત નોટામાં પડ્યા હતા જ્યારે પારડીમાં સૌથી ઓછા ૧૪૦૯ મત નોટામાં પડ્યા હતા, વર્ષ ૨૦૨૪માં સૌથી વધુ નોટામાં મત વાંસદા બેઠક પર ૩૫૫૫ અને સૌથી ઓછા નોટામાં મત વલસાડ બેઠક પર ૧૬૫૯ નોંધાયા છે.
વર્ષ ૨૦૧૯માં ૯૮૭ જ્યારે ૨૦૨૪માં ૮૦૩ રિજેક્ટ વોટ નોંધાયા
વલસાડ બેઠક પર ગત લોકસભાની ચૂંટણીમાં વર્ષ ૨૦૧૯માં કુલ ૧૨૬૧૩૬૪ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાંથી ૪૫૨૬ મતદારોએ પોસ્ટલ બેલેટનો ઉપયોગ કર્યો હતો જેમાંથી ૯૮૭ મત ગણતરી દરમિયાન રદ થયા હતા જેથી માન્ય મત ૧૨૪૧૦૭૦ નોંધાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૪ની ચૂંટણીની મત ગણતરી હાથ ધરાતા કુલ ૧૩૬૨૨૧૪ મતદારોમાંથી ૧૦૫૭૭ મતદારોએ પોસ્ટલ બેલટથી મતદાન કર્યુ હતુ. જેમાંથી ૮૦૩ મત રિજેક્ટ થતા કુલ ૧૩૬૧૪૧૧ મત વેલિડ વોટ તરીકે ગણાયા હતા. વર્ષ ૨૦૧૯ અને ૨૦૨૪ની સરખાણી કરીએ તો રદ થયેલા મત ૧૮૪ ઘટયા હતા.
પુનરાવર્તનઃ ગત ચૂંટણીની જેમ જ આ વખતે પણ ભાજપ કરતા કોંગ્રેસને પોસ્ટલ મત વધુ મળ્યા
ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડો.કે.સી.પટેલનો વિજય થયો હતો પરંતુ પોસ્ટલ મતની વાત કરીએ તો તેમને પોતાના પ્રતિસ્પર્ધી કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી કરતા ૩૩૫ મત ઓછા મળ્યા હતા. જેના આંકડા જોઈએ તો, કુલ ૪૫૨૬ પોસ્ટલ મતમાંથી ડો. કે.સી.પટેલને ૧૫૩૮ જયારે જીતુ ચૌધરીને ૧૮૭૩ મત મળ્યા હતા. ગત ચૂંટણીનું પુનરાવર્તન ૨૦૨૪ની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વધુ ટપાલ મત મળ્યા હતા. કુલ ૧૦૫૭૭ પોસ્ટલ મત મતમાંથી ભાજપને ૩૨૯૧ અને કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને ૬૨૧૫ પોસ્ટલ મત મળ્યા છે.
આદિવાસી નેતા અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ધવલ પટેલ કરતા વધુ મત મળ્યા
૨૬- વલસાડ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ સાત વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતોનું વિશ્લેષણ કરીએ તો, આદિવાસી નેતા તરીકેની છબી ધરાવતા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલને વાંસદા, ધરમપુર અને કપરાડા બેઠક પર વિજેતા ભાજપના ઉમેદવાર ધવલ પટેલ કરતા વધુ મત મળ્યા છે. વાસંદામાં અનંત પટેલને ૧૨૪૨૮૬ જ્યારે ધવલ પટેલને ૯૨૫૦૮, ધરમપુરમાં અનંત પટેલને ૯૭૯૫૭ જ્યારે ધવલ પટેલને ૯૩૯૩૨ અને કપરાડામાં અનંત પટેલને ૧૧૫૭૯૦ જ્યારે ધવલ પટેલને ૯૨૫૬૪ મત મળ્યા હતા. જ્યારે ભાજપના ધવલ પટેલને ડાંગ, વલસાડ, પારડી અને ઉમરગામ બેઠક પર વધુ મત મળ્યા હતા.
૨૦૧૯ની તુલનાએ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્યું, ભાજપમાં વોટનું પ્રમાણ ઘટ્યુ
વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર ડો. કે.સી.પટેલનો કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી સામે ૩૫૩૭૯૭ મતથી વિજય થયો હતો. જેમાં કુલ ૧૨૪૧૦૭૦ મતમાંથી ડો.કે.સી.પટેલને ૭૭૧૯૮૦ અને જીતુભાઈ ચૌધરીને ૪૧૮૧૮૩ મત મળ્યા હતા. જ્યારે ૨૦૨૪ ની ચૂંટણીમાં પણ ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે પરંતુ તેઓ તેમની પાર્ટીના ગત ચૂંટણીના ઉમેદવાર ડો.કે.સી.પટેલ જેટલી લીડ મેળવી શક્યા ન હતા. જેથી ભાજપમાં વોટનું પ્રમાણ ઘટ્યુ હતું. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલનો પરાજય થયો પરંતુ કોંગ્રેસમાં મતનું પ્રમાણ વધ્યું છે. ગત ૨૦૧૯ની ચૂંટણીમાં કોંગ્રેસના જીતુભાઈ ચૌધરીને ૪૧૮૧૮૩ મત મળ્યા હતા જ્યારે ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસના અનંત પટેલને ૫૫૩૫૨૨ મત મળ્યા છે. આમ, કોંગ્રેસને ગત ૨૦૧૯ની ચૂંટણી કરતા ૨૦૨૪ની ચૂંટણીમાં ૧૩૫૩૩૯ મત વધુ મળ્યા છે. જ્યારે ભાજપને ૭૭૫૪ મત ઓછા મળ્યા છે.