આજના દિવસે દેવીની પૂજા કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે:સૂર્યમંડળની અધિષ્ઠાત્રી છે દેવી સ્કંદમાતા, સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવે છે વિશેષ પૂજા
નવરાત્રિમાં શક્તિની ઉપાસનાનું વિધાન છે. આજે નવરાત્રિનો પાંચમો દિવસ છે. ભગવતી દુર્ગાની પાંચમી શક્તિનું નામ સ્કંદમાતા છે. નવરાત્રિના પાંચમા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધચક્ર પર રહેતું હોય છે. સ્કંદ કુમાર (કાર્તિકેય)ની માતા હોવાને લીધે દુર્ગાજીના આ પાંચમા સ્વરૂપને સ્કંદમાતા નામ આપવામાં આવ્યું છે. આ દિવસે ભક્તોનું મન વિશુદ્ધચક્ર પર રહેતું હોય છે. તેમના ખોળામાં સ્કંદ બાળરૂપમાં વિરાજમાન છે. સ્કંદમાતા સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે. તેમની ઉપાસના કરવાથી સાધક અલૌકિક તેજ પ્રાપ્ત કરે છે. તે અલૌકિક પ્રભામંડળ પ્રતિક્ષણ તેમના યોગક્ષેમનું નિર્વહન કરે છે. એકાગ્રભાવથી મનને પવિત્ર કરીને માતાની સ્તુતિ કરવાથી દુઃખોથી મુક્તિ મેળવીને મોક્ષનો માર્ગ સુલભ થાય છે.
સ્કંદમાતાના મહિમાનું વર્ણન:
વરદાન મળતાં જ તારકાસુરે લોકોને ત્રાસ આપવાનું શરૂ કર્યું. લોકો શિવ પાસે ગયા અને તારકાસુરથી મુક્તિ મેળવવા પ્રાર્થના કરી. ત્યાર બાદ શિવે પાર્વતી સાથે લગ્ન કર્યા અને કાર્તિકેયનો જન્મ થયો. જ્યારે કાર્તિકેય મોટો થયો ત્યારે તેણે રાક્ષસ તારકાસુરનો વધ કર્યો. ભગવાન સ્કંદ એટલે કે કાર્તિકેયની માતા હોવાને કારણે તેમને સ્કંદમાતા કહેવામાં આવે છે. પુરાણોમાં કુમાર અને શક્તિના નામે સ્કંદમાતાના મહિમાનું વર્ણન છે
સ્કંદમાતાનો મહિમા
પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે સ્કન્દમાતા કે સ્કંદમાતા એ નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ છે. સ્કન્દમાતાનો અર્થ કાર્તિકેયનાં માતા એવો થાય છે. કાર્તિકેય કે કાર્તિક સ્વામી એ મહાદેવ અને પાર્વતીના પુત્ર છ, જેમનું એક નામ છે સ્કંદ. અને આ સ્કંદ નામ પરથી જ દેવી સ્કંદમાતાના નામે પૂજાય છે. દેવીને ચાર ભુજા છે. તેમણે ઉપલા બે હાથમાં કમળ ધારણ કરેલાં છે. ત્રીજા હાથે તેમણે ખોળામાં બેઠેલા બાળ કાર્તિકેયને પકડેલા છે તથા તેમનો ચોથો હાથ વરદમુદ્રામાં છે. દેવીનું વાહન સિંહ છે. નવરાત્રિના પાંચમા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન-અર્ચન કરાય છે. દેવીને ક્યારેક કમળ પર બેઠેલાં પણ દર્શાવાય છે, જેને લીધે તેમને ‘પદ્માસના દેવી’ પણ કહેવાય છે. દેવીનો વર્ણ શુભ્ર, સફેદ છે.
સ્કંદમાતાની કથા
દુર્ગાપૂજાના પાંચમા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત-કુમાર, સ્કંદકુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણતઃ મમતા લૂંટાવતી જોવા મળે છે. માતા પોતાના બે હાથમાં કમળનાં ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. સ્કંદમાતા જ હિમાલયની પુત્રી પાર્વતી છે, તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. દેવી સ્કંદમાતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાય છે. મહાદેવની વામિની અર્થાત્ પત્ની હોવાથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌરવર્ણને લીધે દેવી ગૌરીના નામથી પૂજવામાં આવે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે, આથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત કરવું સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમના પુત્રની જેમ જ સ્નેહ લૂંટાવે છે.
સ્કંદમાતાની પૂજાવિધિ
કુંડલિની જાગરણના ઉદ્દેશથી જે સાધકો દુર્ગા માતાની ઉપાસના કરી રહ્યા હોય તેમની માટે દુર્ગાપૂજાનો આ દિવસ વિશુદ્ધચક્રની સાધનાનો હોય છે. આ ચક્રને ભેદન કરવા માટે સાધકને પહેલા માતાની વિધિવત્ પૂજા કરવી જોઈએ. પૂજા માટે કુશ અથવા કામળાનું પવિત્ર આસન પાથરીને બેસવું જોઈએ.
પાંચમા દિવસે માતાનો મંત્ર જાપ કરવો
“सिंहासनगता नित्यं पद्माश्रितकरद्वया.
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी.
આ મંત્રજાપ પછી પંચોપચાર વિધિથી દેવી સ્કંદમાતાની પૂજા કરો. નવરાત્રિની પાંચમી તિથિએ ભક્તો જન ઉદ્યંગ લલિતાનું વ્રત પણ રાખે છે. આ વ્રતને ફળદાયક ગણવામાં આવ્યું છે. જે ભક્ત દેવી સ્કંદમાતાની ભક્તિભાવ સહિત પૂજા કરે છે તેને દેવીની કૃપા પ્રાપ્ત થાય છે. દેવીની કૃપાથી ભક્તની દરેક ઇચ્છા પૂરી થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે.